હે મારા પ્રેમી, મને લઇ જા તારી સાથે; ચાલ, ચાલને આપણે ભાગી જઇએ, રાજા મને તેના રાજમહેલમા લાવ્યો છે.ઓહ! અહીં આપણે કેવો આનંદ માણીશું અમે તારા માટે ખૂબ ખુશ થઇશું અને તારી પ્રસંશા કરીશું. તારો પ્રેમ; દ્રાક્ષારસથી પણ વધારે સારો છે, બધી યુવાન સ્ત્રીઓ તને શુભ આશયથી પ્રેમ કરે છે.
હું રંગે શ્યામ છું તેથી મારી સામે એકીટશે જોશો નહિ. આ સૂર્યના તડકાએ મને બાળી નાખી છે; મારા ભાઇઓ પણ કોપાયમાન થયા હતા; અને દ્રાક્ષાવાડીની રખેવાળી કરવા ત્યાં મને મોકલી આપી. તેથી હું શ્યામ થઇ ગઇ, મેં મારી પોતાની દ્રાક્ષાવાડી સંભાળી નથી.
હે પ્રાણપ્યારા, મને જણાવ તો ખરો કે, આજે ઘેટાં-બકરાં ચરાવવા કયાં જઇ રહ્યો છે? તેમને બપોરે વિસામો ક્યાં આપે છે તે તો કહે; તારા સાથીદારોના ટોળાની સાથે બુરખાવાળી સ્રીની જેમ હું ભટકું તે કરતાં તારી સંગત સારી છે.